સાચા વિકાસ માટે માંગણી નહીં પણ જરૂરિયાતને જાણો

July 31 , 2020 અદાણી ફાઉન્ડેશન

દરિયાને દેવ ગણી તેની પુજા કરવામાં આવે છે. સતત દરિયો ખેડનારને સાગર ખેડુ કહેવામાં આવે છે. રત્નનો ભંડાર હોવાથી રત્નાકર પણ કહેવામાં આવે છે. આ રત્નાકર પાસે સતત રહેનારને પણ ઘણીવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે જ છે. સંઘર્ષએ માનવજીવન સાથે વણાયેલો છે. સંઘર્ષમાં જ્યારે સહારો મળે, પીઠ થાબડનાર મળે ત્યારે લાગે કે અમારું પણ કોઈ છે. આ “અમારું “ શબ્દએ જ જીવન જીવવાનો મોટો સહારો બની જાય છે. કોઈપણ વસાહતને જ્યારે જીવન જરૂરી એક પણ સુવિધા ના હોય અને જ્યાં આજીવિકાનું સાધન છે, ત્યાંજ રહેવું જરૂરી છે, તેવા સમયે માણસ કુદરત સામે પણ અરજ કરતો હોય કે હે ! માલિક બધી અગવડતા અમારે જ ભોગવવાની છે ?

આવા સંજોગોમાં અદાણી ફાઉન્ડેશન પરિવારે માછીમાર સમુદાયને પોતાનો પરિવાર માનીને તેમની સાથે વાત કરી કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ જેથી તમારી પીડાને હળવી કરવામાં અમે ભાગીદાર બની શકીએ. સાહેબ તમે જો જો નાના માણસની લાગણી વધારે અને જરૂરિયાત હંમેશા ઓછી હોય છે.સાચા વિકાસ માટે લોકોની માંગણી ને નહીં પણ જરૂરિયાતને જાણો એ જ અગત્યનું હોય છે. માછીમાર પરિવાર સાથે કામ કરતાં બે સૂઝબૂઝ વાળા કાર્યકર વિજયભાઈ ગૂસાઇ અને રાધુભાઈ ગોયલ જે માછીમાર ભાઈઓને કાકા,ભાઈ કે સમોવડિયાને ઇભલા, અલ્તાફ કે અબ્દુલ્લા કહીને બોલાવે. તેના સારા- માઠા પ્રસંગોમાં હાજરી આપે. એટલું જ નહીં આ પરિવારો તેને પોતાની પેટછૂટી વાત પણ કરી શકે છે.

આ દરિયા કિનારે આવેલ બંદરોમાં જૂના બંદર,લૂણી,બાવડી,કુતળી,વીરા,ઘવરવારો બંદર પર સૌથી વધારે જરૂરી એવું પીવાનું પાણી આજે વર્ષોથી જેટલા દિવસ માછીમાર પરીવાર બંદર પર રહે એટલા દિવસ એકપણ ફરિયાદ વિના ટેન્કરથી પીવાનું પાણી પહોચાડે છે. એક દિવસની કે એક માસની જવાબદારી કોઈ લે પણ આતો કાયમી જવાબદારીને સ્વીકારી અને નિભાવી. ઘરમાં પાણીયારા સુધી પીવાનું પાણી પહોચાડવાની જવાબદારી હંમેશા બહેનોની હોય એટલે બહેનો તો એટલા આશીર્વાદ આપે છે કે “ અમને આવી મદદ કરનારને ક્યારેય ઉનો વા પણ ના વાય.” મતલબ કે તમે હંમેશા તંદુરસ્ત રહો. આ અંતરના આશીર્વાદ તો ભલભલી મુશ્કેલીમાથી પણ રસ્તો શોધી શકાય તેવા છે.

કોઈ પ્રકારની ખેડ કરે તે દેવાદાર તો હોય જ. એ પછી ધરતી ખેડે કે દરિયો ખેડે. એટલે એમ કહેવાય કે ખેડૂતનો દીકરો દેવામાં જન્મે,દેવામાં જીવે અને દેવામાં મરે. આવું જ આ સમુદાયમાં પણ છે. તેને આવી પરિસ્થિતીમાથી બહાર કાઢવા અને ધંધાને મજબૂત બનાવવા સાધન સહાય માટે સરકારી યોજના અને પોતાની સહાય સાથે કરીને પગડિયા તથા બોટવાળાને મદદ કરી અનેક પરિવારોને દેવાના દબાણથી મુક્ત કર્યા. અદાણી પરિવારે આ પરિવારો માટે દિવસે એવું કામ કર્યું કે “ આ પરિવારો રાત્રે આરામથી ઊંઘ લઈ શકે.” કારણકે દેણું કોઈને સુખેથી સુવા નથી દેતું. કુદરતે તમને આપ્યું હોય તો બીજાને એવી મદદ કરો કે તેને રાત્રે ઊંઘ આવે, એની ઊંઘ હરામ થઈ જાય તેવું કામ ના કરવું.

દરિયાકિનારે ચેરિયાનું વધારે વાવેતર થાય અને માછીમારીની બંધ સિઝનમાં જીવન વ્યવહાર ચલાવવા રોજગારી પણ મળે તે માટે ચેરિયા વાવેતર તથા ચેરિયાના નાના છોડ ફરતે બાઝી ગયેલ દરિયાઈ સેવાળને દૂર કરવા માટેની તાલીમ આપીને ૩૫૭૮૭ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે. કારણ કે પેટને કોઈ સિઝન બંધ નથી હોતી એ અદાણી પરિવાર સારી રીતે જાણે છે. એ પણ જાણે છે કે કોઈના ઘરનો ચૂલો સળગશે તો એ અગ્નિ યજ્ઞનો છે. ચેરિયાના વન સાથે લોકોનું જીવન પણ હરિયાળું બનવું જોઈએ.

તમે જ્યારે કોઇની કાયમી ચિંતા દૂર કરો ત્યારે એ તમારી સહવેદનાની સાબિતી આપે છે. આજના યુવાનોને માછીમારી સિવાય પણ કઈક કરવાની પ્રબળ ઇચ્છા હતી. પણ તક કોણ આપે ? આ તકો કેવી હોય તેને કેમ ઝડપવી તેના માટે યુવાનોને અદાણી પોર્ટ, અદાણી વિલમાર,અદાણી પાવર વગેરેની ખાસ હેતુ સાથે મુલાકાત કરાવવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે આ કામો જે થઈ રહ્યા છે, તેમાં તમને ક્યાં કામમાં રસ છે ? ને તમે કયું કામ કરી શકો? યુવાનોની આંખ પોતાને મનગમતું કામ શોધી લે. ત્યારબાદ તેને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં સવિશેષ તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આવા યુવાનો ક્રેન જેવી મશીનરી પોતાના હાથે ચલાવીને ૪ થી ૪૧ ટનના કન્ટેનરો સાથે કામ કરે છે. કાયમી ધોરણે મહિને ૧૫૦૦૦/ થી ૨૫૦૦૦/ કમાઈ લે છે. એક માછીમારનો દીકરો જ્યારે પોતાના હાથમાં જાળને બદલે ક્રેન ચલાવે ત્યારે કેટલો હરખાતો હશે એતો નજરે જોઈએ ત્યારે જ અનુભૂતિ થાય. એક માણસ જ્યારે કામે લાગે ત્યારે એક પરિવાર સુરક્ષિત થાય છે. આજે માછીમારના કુલ ૧૬૮ પરિવારો માછલી પકડવાને બદલે પોર્ટમાં કલરકામ, ચેકર, વૃક્ષારોપણ, રોડ-રસ્તા રીપેરીંગ, મજૂરો પૂરા પાડવા, નાના-મોટા કોન્ટ્રાક્ટ,શાળાના બાળકોને લેવા-મૂકવા રિક્ષા વગેરે કામોમાં ગોઠવાઈને પોતાની યોગ્યતા પુરવાર કરી છે.

આ બધાં કામ પાછળ હંમેશા બીજાના ઘરમાં અજવાળું પાથરવાનું સતત ચિંતન કરનાર એવા ગૌતમભાઈ અદાણીની સાતત્યપૂર્ણ અડીખમ વિચારધારા છે, તો ડો. પ્રીતિબેન અદાણીનું પ્રેરક પ્રેરણાબળ એટલુ જ બળવાન છે. જ્યારે પી.એન. રોયચૌધરીસાહેબની વહીવટી કુશળતા કાબિલેદાદ છે. તેની સાથે વી.એસ.ગઢવીસાહેબની નિર્દોષ અને અનુભવી આંખથી સતત ઝીણું ઝીણું કાંતીને ખામી વગરનું કામ લેવાની કુશળતા, મુંદરા લેવલે રક્ષિતભાઈનું સુદ્રઢ સંકલ્પબળ સાથે પંક્તિબેન શાહની પરિશ્રમી ટીમ જે ક્યારેય થાકતી નથી. આ બધાંની શક્તિનો સમન્વય અને માછીમાર સમુદાયની ભાગીદારીથી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. હજુ તો ઘણું કામ કરવાનું બાકી છે, પણ કામનો વેગ સાચી દિશામાં છે. આમેય દરિયો ખેડનારો માણસ ભૂમિ પર ભૂલો તો ના જ પડેને.

Other Related Stories

સાચા ઉત્તર દાયિત્વનો ઉત્તર સમાજ આપે જ છે

July 31 2020 અદાણી ફાઉન્ડેશન

અખંડ ભારતનો કુલ ૭૫૧૭ કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે. જ્યારે તેમાથી ગુજરાતને ભાગે ૧૬૦૦ કિલોમીટર અને આપણાં કચ્છના ભાગે ૩૦૦ કિલોમીટરનો સમૃદ્ધ દરિયા કિનારો આવેલો છે. સમુદ્રનો સદઉપયોગ કરવામાં આવે તો એ સમૃદ્ધિનો ખજાનો છે.

Click here

એક હાથલારી પણ આત્મનિર્ભર બનાવી શકે છે

July 22 2020 અદાણી ફાઉન્ડેશન

દરેક માણસ એક મનસૂબા સાથે જીવન જીવે છે. પોતાના અરમાનો પૂરા કરવા આખી જિદગી ખર્ચી નાખે છે. એ ગામડાંમાં રહેતા હોય કે ભલે શહેરમાં રહેતા હોય. જેમ માણસની જરૂરિયાત ઓછી તેમ ખોટી દોડધામમાથી બચી શકે.

Click here

From a homemaker to a corona warrior

April 24 2020 Adani Foundation

From a homemaker to a corona warrior, Lilaba has come a long way, becoming self-sufficient and leading her life with utmost confidence.

Click here

The journey of catalyzing holistic growth in Godda

July 28 2020 Adani Foundation

The project currently covers more than 266 schools of Godda spread across 266 villages in 9 blocks, reaching out to over 70,000 students studying in classes 6th to 12th.

Click here